સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા
– માવજી મહેશ્વરી

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા
– માવજી મહેશ્વરી

સાવ થાકી ગયેલ પગને લઈ
એક ઈચ્છા જ ચાલતા રાખે
-ભરત વિંઝુડા

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

– મનહરલાલ ચોક્સી

સફળ થવાનો વિકટ રસ્તો સહેલો લાગ્યો
નિષ્ફળતાની કેડી ચડતાં વસમું લાગ્યું
– ગોવિંદ ગઢવી ‘સ્મિત’

સાંભળ્યું તારી ગલીનું નામ તો,
ઊડતા મારા ચરણ થઈ જાય છે.
– આબિદ ભટ્ટ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

સૌ સમયના વહેણમાં વહેતાં રહે છે એ રીતે
જેમ નદીઓને સતત વહેવું પડે છે ઢાળમાં !
-ભરત વિંઝુડા

સુગરકોટેડ હોવાથી,નથી કડવાશ વર્તાતી
જરૂરતમાં પલાળી જો, બધા કડવા જ છે માણસ!
-મહેશ રાવલ,

સાવ જ નવું હો સ્થળ ને છતાં એમ લાગતું,
પહેલાંય આ જગાએ હું આવી ગયેલ છું.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
– ‘રાઝ’ નવસારવી

સામ સામે હતા એમ તો આપણે
ખીણ જેવી શરમ ઉભી આડી હતી
– રતિલાલ ‘અનિલ’

સમયની પીઠ પર બેસીને હું આગળ વધું કિન્તુ
અહીં પથ્થર બની બેસી ગયેલા કાફલાનુ શું?
– ગાલિબ ગુજરાતી

સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
-રાકેશ હાંસલિયા”

સમસ્ત જિંદગી વીતી છે એમ રસ્તામાં
અસીમ રણમાં વરસ્તી’તી લૂ, તરસને હું
“રસિક” મેઘાણી

સળવળેલી લાગણીના સળ લખું છું,
કેટલાં વરસો પછી કાગળ લખું છું !
-“મનીષ પરમાર”

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
-બેફામ

સૂર્ય જેવાં સૂર્યને પણ ડૂબતો જોયા પછી,
કોડિયાંની રાતને, હું સાચવું છું ત્યારથી.
-છાયા ત્રિવેદી

સમગ્ર જિંદગી પ્રગટેલી એક આશ રહી
પ્રતિક્ષા એની કરી કે, જે આવનાર નથી
“રસિફ” મેઘાણી

સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.
-અરુણ દેશાણી

સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’

સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’

સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨) http://vmtailor.com/archives/223