લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.
– કિરીટ ગોસ્વામી”

લાગણીઓના લબાચા લઈ બધા
ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ
– મનહર જાની”

લે હલેસાં ને નદી તું પાર કર
એ રીતે તું નાવનો ઉદ્ધાર કર !
– ઉર્વીશ વસાવડા

લેવા બેસે છે ત્યારે માટી પણ
આત્મા સાથે શરીર લઈ લે છે
-“રસિક” મેઘાણી

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
-શૂન્ય પાલનપુરી

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
-ડૉ.વિવેક મનહર ટેલર

લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?
-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા
– માવજી મહેશ્વરી

લાખ સૃષ્ટિની સુરાહી નિત્ય છલકાયા કરે
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.
-શૂન્ય પાલનપુરી

લાગણીની વાત છે અહિંયા બધી
આંખમાં ભીનાશ જેવું હોય છે
-હિમાંશુ ભટ્ટ

લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.
-’ઊર્મિ સાગર

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે
-હિમાંશુ ભટ્ટ

લીલોતરી જ જોઈએ છે એવું પણ નથી,
એવુંય સ્થળ બતાવ જે ન હો અવાવરું.
-અંકિત ત્રિવેદી

લાગણીનો આયનો મારો ઘણો તત્પર હતો,
પણ ખબર નો’તી તમારા હાથમાં પથ્થર હતો !
– હેમાંગ જોશી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી
– આદિલ મન્સૂરી

લોહીના આંસુ કેમ રડે છે નયન બધા
મેં તો હજી બતાવ્યા જખમ કોઈ કોઈ છે
-“રસિક” મેઘાણી

લોકો કહે છે કે, ‘ઘણું સુંદર લખું છું હું હવે,’
એને કહું શું ? તું રહે છે આંગળીનાં ટેરવે…
-ગૌરવ પંડ્યા

લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે;
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
– દિલેરબાબુ