March 2008


ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.
-’અમર’ પાલનપુરી

નયનને બંધ રાખીને અમે જ્યાં તમને જોયાં છે.
તમે છો તેના કરતાં પણ વધારે તમને જોયાં છે.
– ‘બેફામ’

નિશ્ચય કરીને ગ્યા છો તો પાર પાડી આવો,
આ સાવ હાથ ખાલી લઈને અવાય પાછું ?
-અનિલ ચાવડા

ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી
અહીં આપણે તો જવુ હતુ ફક્ત એકમેક ના મન સુધી
-ગની દહીંવાલા

નજરોથી દૂર મંઝિલ રસ્તા કઠિન તેં આપ્યા,
બળતા બપોરે સગંત સુકા ઝરણની આપી.
-મહેક’ટંકારવી

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !
– ડૉ. મહેશ રાવલ

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

નાહક ‘મહેક’ને આ નિષ્ઠૂર જગત મહીં તેં,
કોમળ આ લાગણીઓ અંત:કરણની આપી.
‘મહેક’ટંકારવી

નફરત કહીં નહીં મળે, બસ પ્રેમને હો પ્રેમ
એવી પળોને પામવા, વાલમ હવે તો આવ
– ‘રસિક’ મેઘાણી

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
હિમાંશુ ભટ્ટ

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.
-’અમર’ પાલનપુરી

ગાઢ વનમાં વસંત વાવી છે
સંગ તારો, ને હેયે લાખ ઉમંગ
-‘રસિક’ મેઘાણી

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.
– ‘આસીમ’ રાંદેરી

ગોદડી કૈં અમથી સંધાતી નથી ભૈ,
સાત પડ વીંધીને સોઈ નીકળે છે.
-મંગળ રાઠોડ

ગર્મી, ઠંડી, કો’દિ વર્ષા, કો’દિ તડકો-છાંયડો
શુષ્ક લાંબા મારગે એથી ‘રસિક’ જીવન રહે
-‘રસિક’ મેઘાણી

ગહનતા ઘાવની માપી શકું, એવું ગજું ક્યાં છે?
વળી હર ઝખ્મ પંપાળી શકું, એવું ગજું ક્યાં છે?
– અહમદ ‘ ગુલ’

ગેરૂ છોને હો અગન પણ્, મન અગર કંચન રહે
તો પ્રણયના માર્ગમાં તું ના કદી નિર્ધન રહે
-‘રસિક’ મેઘાણી

ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.
-હરીશ પંડ્યા

ગીતો તમારા દેશમાં હું ગાઉં શું?
શબ્દો અહીં તો સૂરથી ધોવાય છે.
-ઘનશ્યામ ઠક્કર

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં
-બરકત વિરાણી ’બેફામ’

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.
-’અમર’ પાલનપુરી

દીવાલો જર્જરિત છ્ત તૂટી પડવાની અણી ઉપર.
કરે છે બંધ દરવાજો નીકળવાની અણી ઉપર.
– ગોપાલ શાસ્ત્રી

દિલના દરિયે ડૂબકી દઇને,
મોંઘુ મોતી લૂંટી લઇએ.
– દફન વિસનગરી

દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
-’ઊર્મિ’ સાગર

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
-’અમર’ પાલનપુરી

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

દુઃખના દિવસો બંને મળીને હસતા ગાતા ગાળ્યા ‘રસિક’
જોવા સમયના ચહેરા હતાને, દર્પણ ઝાંખુ ઝાંખુ હતું કંઈ
-‘રસિક’ મેઘાણી

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
-ગની દહીંવાલા

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
– ‘આદિલ’ મન્સૂરી

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
-ધ્વનિલ પારેખ

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
-‘મરીઝ’

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !
– ડૉ. મહેશ રાવલ

બેફામ’ તો યે કેટલુ થાકી જવુ પડ્યુ
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-બરકત વિરાણી ‘બેફામ’

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.
-ખલીલ ધનતેજવી

બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે
ઉર્વીશ વસાવડા

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
બરકત વિરાણી ‘બેફામ’

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી
બરકત વિરાણી ‘બેફામ’

બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.
– ઉર્વીશ વસાવડા

બીજ કોઈના માટે વીણ્યા કરું
ફોતરા મગફળીના ફોલ્યા કરું
‘રસિક’ મેઘાણી

મને આ જોઇને હસવું હજારો વાર આવે છે
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી ‘ શયદા ‘

મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે
-અમૃત ઘાયલ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ
-ઓજસ પાલનપુરી

મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
– અકબરઅલી જસદણવાલા

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.
ખલીલ ધનતેજવી

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
-’ઊર્મિ’ સાગર

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’”

મન ઘણી વાર અકારણ ઉદાસ પણ લાગે,
નર્યા એકાંતનો ખુદને ય ભાર પણ લાગે !
– ડૉ. રશીદ મીર

મેં તારા સંગમાં હસતા રહી ગુજાર્યા છે
હજી એ યાદ કરૂં છું ગયા દિવસને હું
-“રસિક” મેઘાણી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઊખડી જાય તો કે જે મને
જિંદગી!તારાથી હું થાકયો નથી, તું જો થાકી જાય તો કે જે મને
-ખલીલ ધનતેજવી…

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ્’
અરે એ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
-’આદિલ’ મનસુરી

વિરાટ પંથમા થાકી વિરામ કરવા પણ
પરાઈ ભીંતના છાંયે કદી નથી બેઠા
-‘રસિક’ મેઘાણી

વીખરેલી લટોને ગાલો પર રે’વાદે પવન તું રે’વાદે
પાગલ ગુલાબી મોસમમાં વાદળનું વિસર્જન કોણ કરે
-સૈફ પાલનપુરી

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાયે, વિચાર આવે.
– ’શયદા’

વેદનાને તું ચિતરજે, લઈ કલમ, કાગળ ઉપર
ત્યાં ઉજવશું જાતને, જો પર્વ નીકળે કેટલાં !
-છાયા ત્રિવેદી

વરસ્તા વાદળ મળે કે ચૈતર, સતત ‘રસિક’ ચાલતા જો રે’શો
દિશાના અંતર પછી સિમટશે, કદીક એવી સવાર પડશે
-‘રસિક’ મેઘાણી

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા

વિશ્વ આખું છે મુજ આસપાસ
તોય તારા વિના હું ઉદાસ
-‘રસિક’ મેઘાણી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
હરીન્દ્ર દવે

ભીનાશ આખા માર્ગમાં લોકોએ જોઈ છે,
રડતું ગયું’ તું કોણ અમારી કબર સુધી
-મનહરલાલ ચોકસી

ભલે પરણ સતત ખરે ને વૃક્ષને અસર કરે,
નચિંત સંત તો રહે ફકિર ના ફિકર કરે
-આબિદ ભટ્ટ્

ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.
-ગોપાલ શાસ્ત્રી

ભૂલથી પણ એ ભાવ તો પૂછે,
આખે આખી દુકાન આપી દઉં !
– ઉદયન ઠક્કર

ભીડ ભરેલી દુનિયા કિંતુ
તારા વિના છે સૂનો રસ્તો
-‘રસિક’ મેઘાણી

ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
-સુધીર પટેલ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
-આબિદ ભટ્ટ

ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
-રિષભ મહેતા

પ્રદશૅન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી
મને એ ખુબસૂરત પથ્થરોની જેલ જોવા
-શેખાદમ અબુવાલા

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
-’અમર’ પાલનપુરી

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
-અનિલ ચાવડા

પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
-‘મકરંદ દવે’

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.
-’ઊર્મિ’ સાગર

પારકું થઇ ગયું એકાંત ગુલ
ભીડમાં ઍટલે તો હું ભળી ગયો
-અહમદ ‘ગુલ’

પેલા ખૂણે બેઠાછે તે સૈફ છે, મિત્રો જાણો છો?
કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતારામ હતા?
-સૈફ પાલનપુરિ

પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.
-અહમદ ‘ગુલ’

પર્વત પર્વત, કંદરા કંદરા, ચાલવું થાકવું ડગલે પગલે
સાંકડી કેડી, લાંબો પંથક, વિધ્નો નિરંતર, જત લખવું કે
-“રસિક” મેઘાણી

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?
-અહમદ ‘ગુલ’

ઝાંખી પડી ગઈ હતી વર્ષોની જુની યાદ
એકાદ પળને સંચરી નોખા પડી ગયા
-“રસિક” મેઘાણી

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
-’ઊર્મિ’ સાગર

ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
– મધુમતી મહેતા

ઝાંકી અતીતમાં કદી જોવાનું થાશે મન
પાંપણ પલાળશો તો અમે યાદ આવશું
-“રસિફ” મેઘાણી

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

ઝેર સભર છે જીવન પ્યાલો
અમૃતરસ પણ નિષ્ફળ થાશે
-“રસિક” મેઘાણી

ઝંખનાના દરિયામાં નીતરતો ‘હું’ ને
મૃગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
– સૌપ્રીય સોલંકી

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.
-’ઊર્મિ’ સાગર

ઝરણાંની ઘેલછામાં ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઇ દશામાં, ભૂલી ગયો દિશાઓ.
– સતીન દેસાઇ ‘પરવેઝ’

ઝેર જેવું કરી દે જીવન આપણું
એટલું સત્ય પણ કાંઈ કડવું નથી
-“રસિક” મેઘાણી

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.
-મનહરલાલ ચોકસી

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
-અનિલ ચાવડા

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
– મરીઝ

છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
-હેમંત પુણેકર

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.
-અમૃત ઘાયલ

છોળો ખુશીથી ત્યારે જમાનો ભરી ગયો
મુજ રકતથી જો ચીતરી રંગીન ભાત છે
-‘રસિક’ મેઘાણી

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે
-હસમુખ મઢીવાળા

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
-હરદ્વાર ગોસ્વામી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
– હરકિસન જોષી

« Previous PageNext Page »