Skip to content


ભીનાશ આખા માર્ગમાં લોકોએ જોઈ છે,
રડતું ગયું’ તું કોણ અમારી કબર સુધી
-મનહરલાલ ચોકસી

ભલે પરણ સતત ખરે ને વૃક્ષને અસર કરે,
નચિંત સંત તો રહે ફકિર ના ફિકર કરે
-આબિદ ભટ્ટ્

ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.
-ગોપાલ શાસ્ત્રી

ભૂલથી પણ એ ભાવ તો પૂછે,
આખે આખી દુકાન આપી દઉં !
– ઉદયન ઠક્કર

ભીડ ભરેલી દુનિયા કિંતુ
તારા વિના છે સૂનો રસ્તો
-‘રસિક’ મેઘાણી

ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
-સુધીર પટેલ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
-આબિદ ભટ્ટ

ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
-રિષભ મહેતા

Posted in .


પ્રદશૅન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી
મને એ ખુબસૂરત પથ્થરોની જેલ જોવા
-શેખાદમ અબુવાલા

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.
-’અમર’ પાલનપુરી

પ્રેમની વ્યાખ્યા કરે છે એક માણસ ક્યારનો,
તું જરા એને ખૂણામાં લઈ જઈ સમજાવને.
-અનિલ ચાવડા

પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
-‘મકરંદ દવે’

પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દ હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું.
-’ઊર્મિ’ સાગર

પારકું થઇ ગયું એકાંત ગુલ
ભીડમાં ઍટલે તો હું ભળી ગયો
-અહમદ ‘ગુલ’

પેલા ખૂણે બેઠાછે તે સૈફ છે, મિત્રો જાણો છો?
કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતારામ હતા?
-સૈફ પાલનપુરિ

પાથરું છું ફૂલ, કાંટા વેરનારો હું નથી,
શાંત જળમાં પથ્થરોને ફેંકનારો હું નથી.
-અહમદ ‘ગુલ’

પર્વત પર્વત, કંદરા કંદરા, ચાલવું થાકવું ડગલે પગલે
સાંકડી કેડી, લાંબો પંથક, વિધ્નો નિરંતર, જત લખવું કે
-“રસિક” મેઘાણી

પડી છે વીજળી માળા ઉપર એની ખબર છે પણ,
તણખલાંઓ હવે લાવી શકું, એવું ગજું ક્યાં છે?
-અહમદ ‘ગુલ’

Posted in .


ઝાંખી પડી ગઈ હતી વર્ષોની જુની યાદ
એકાદ પળને સંચરી નોખા પડી ગયા
-“રસિક” મેઘાણી

ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
-’ઊર્મિ’ સાગર

ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
– મધુમતી મહેતા

ઝાંકી અતીતમાં કદી જોવાનું થાશે મન
પાંપણ પલાળશો તો અમે યાદ આવશું
-“રસિફ” મેઘાણી

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

ઝેર સભર છે જીવન પ્યાલો
અમૃતરસ પણ નિષ્ફળ થાશે
-“રસિક” મેઘાણી

ઝંખનાના દરિયામાં નીતરતો ‘હું’ ને
મૃગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
– સૌપ્રીય સોલંકી

ઝાંકળને પંપાળતા તડકાને જોઇને,
આકાશ વાદળીયું કરી ગયો સમય.
-’ઊર્મિ’ સાગર

ઝરણાંની ઘેલછામાં ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઇ દશામાં, ભૂલી ગયો દિશાઓ.
– સતીન દેસાઇ ‘પરવેઝ’

ઝેર જેવું કરી દે જીવન આપણું
એટલું સત્ય પણ કાંઈ કડવું નથી
-“રસિક” મેઘાણી

Posted in .


છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,
ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.
-મનહરલાલ ચોકસી

છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
-અનિલ ચાવડા

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
– મરીઝ

છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
-હેમંત પુણેકર

છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.
-અમૃત ઘાયલ

છોળો ખુશીથી ત્યારે જમાનો ભરી ગયો
મુજ રકતથી જો ચીતરી રંગીન ભાત છે
-‘રસિક’ મેઘાણી

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ

છોડ, કાંટા, ફૂલ તે શું ? હું તમે ને આપણે
સૂર્ય, તારા, ચંદ્ર તે શું ? હું તમે ને આપણે
-હસમુખ મઢીવાળા

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
-હરદ્વાર ગોસ્વામી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દિવાલોની મુરાદો કેટલી મેલી હતી
– હરકિસન જોષી

Posted in .


જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
-સૅફ પાલનપુરી

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે
-ઉર્વીશ વસાવડા

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એજ હોય પગની તળે એમ પણ બને
-મનોજ ખંડેરીયા

જયારે વિમાસણોના હતાં કાળાં વાદળો,
રસ્તો જ જાતે પહોંચી ગયો રાહબર સુધી
-મનહરલાલ ચોકસી

જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
બંધ આંખે ચિત્ર આખું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

જિંદગીનાં રસને પીવામાં જલ્દી કરો “મરીઝ”
ઍકતો ઓછી મદિરા છે ને ગળતુ જામ છે
-મરીઝ

જો હ્રદયની આગ વધી ‘ગની’તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયુ કે પવન ન જાય અગન સુધી
-ગની દહીંવાલા.

જ્યાંજ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની
-સુરસિંહજી ગોહેલ ‘કલાપી’

જીવનનાં બધાં પાપ જે ધોઈ નાખે,
નયન પાસ એવું રૂદન માગવું છે !
– મુકબિલ કુરેશી

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે !
– નાઝિર દેખૈયા

Posted in .


થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં
-સૅફ પાલનપુરી

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે
-કવિ રાવલ

થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
-અઝીઝ ટંકારવી

થઈને ઉદાસ જોયુ જો ઉપર અમે ‘મરીઝ’
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે
-મરીઝ

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
– આદિલ મન્સૂરી

થાકીને સાંજ ટાણે ‘રસિક’ બેસવું પડયું
નહિતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા
-‘રસિક’ મેઘાણી

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !
-કિરણ ચૌહાણ

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
-વિવેક કાણે ‘સહજ’

થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.
-મુહમ્મદઅલી ભૈડુ’વફા’

Posted in .


તફાવત એ જ છે,તારા અને મારા વિષે,જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
-અમૃત ઘાયલ

તમને ભુલી જવાના, પ્રયત્નોમા આજકાલ
તમને ભુલી ગયો છું, મને ખ્યાલ પણ નથી
-હરીન્દ્ર દવે

તમે પણ દુશ્મનો ચાલો અમારા સ્નેહી ઓ સાથે
એ કબ્રસ્તાનથી આગળ મને કયાં લઇ જવાના છે
-જલન માતરી

તેં કહ્યું ને મેં તરત માની લીધું, પણ કંઈ સમસ્યા દોસ્ત રસ્તામાં હતી
ઘર વગર સરનામું કાયમ શોધવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’”

તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ,
હજાર બેસે, હજાર ઉઠે, હજાર જાયે, હજાર આવે.
-’શયદા’

તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
-અદી મિરઝા

તોડ દિવાલો ને બારી-બારણાં,
ખાતરી તો થાય કે આકાશ છે.
-છાયા ત્રિવેદી

તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
-’ઊર્મિ’ સાગર

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
હું જ મારાથી હજુ કેટલેય દૂર છું?
– કિશ્મત કુરેશી

તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
-અદી મિર્ઝા

Posted in .


ઢમ ઢમ બાજે ઢોલ નગારા યારો રમવા આવો
શેર ગઝલ સરવાણી મીઠી શબ્દે શબ્દે વહાવો
-સુમન અજમેરી

ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ.
– ડૉ. રશીદ “મીર”

ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.
-સંજય પંડ્યા

ઢાઈ અક્ષરમાં બધું ‘મીર’ સમેટાઈ ગયું,
હોય પાસે જો કોઈ વાત અજાણી લખજો.
– ડૉ. રશીદ “મીર”

ઢળતી સાંજનું વાછરડું ખોવાયું જાણે
એમ બાવરી ગાય ભાંભરે ધણની વચ્ચે
-આદિલ મન્સૂરી

ઢળતી રહે, વળતી રહે, હૅયા તરફ
શ્વાસો મહીં આ લાગણી ઓ સળવળે
-રમેશ પંડયા ‘આરસ’

ઢળી છે સાંજ ને જાગી ઊઠી છે ઈચ્છાઓ,
હવે તો દોસ્તો ! સંભળાવ એના કિસ્સાઓ
– ડૉ. રશીદ “મીર”

ઢુંકડુ કહેવાય તોય ગામ આઘું
લાગતું તારા વગરનું ગામ ઠાલું
-ગુણવંત ઉપાધ્યાય

ઢાંકી રહ્યું છે કોઇ પગેરું એ ઘાંસમાં
અલ્લડ અષાઢ ક્યાંક વગોવાય શક્ય છે
-ડો. પ્રફુલ્લ દેસઇ

ઢળેલી સાંજ, કેવળ આપણે, ઠંડી હવા, દરિયો
લગન ભીની, અગન ભીની, ને ભીના ટેરવા દરિયો
-વંચિત કુકમાવાળા

Posted in .


ડૂબતી સંધ્યા સમય બેવડ વળી
ખોઈ નાખ્યા કયાં દિવસ એ ગોતવા
-‘રસિક’ મેઘાણી

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.
– અદમ ટંકારવી

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
-ગૌરાંગ ઠાકર

ડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો;
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
– ‘શૂન્ય’ પાલનપુરી

ડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં
ભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું
‘રસિક’ મેઘાણી

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
-અશરફ ડબાવાલા

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
-અશરફ ડબાવાલા

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
-મરીઝ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
-મરીઝ

Posted in .


“ખ”

ખબર તો પડે મોતિઓ છે કે નહી
તુ સમંદરમા ડુબકી લગાવી તો જો
-જલન માતરી

ખારાશ આખ્ખા ગામની બાઝી પડી મને
દરિયો થવાની ખેવના કેવી નડી મને
ચંદ્રેશ મકવાણા ‘નારાજ’”

ખમી શકી ન વાટિકા તુષાર ભાર પણ અગર
કહીં સુમન ખરી ગયું, કહીં કળી ખરી ગઈ
-“રસિક” મેઘાણી

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઈ શકી કોઈ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?
– ‘શૂન્ય’ પાલનપુરી

ખુલ્લી ક્ષિતિજે ઝૂરતા સૂરજ સમો,
હું શૂન્યમાં બસ દૂર ઓગળતો રહ્યો.
– સુનીલ શાહ

ખાલી વફાની વાત કર્યાથી તો શું વળે ?
જો શ્વાસનો જ ના કશો એતબાર હોય તો !
-ગોવિંદ રા. ગઢવી

ખોઈ નાખ્યા જે દિવસો તડકામાં
છાંયડે ગોતવા નથી ગમતા
-“રસિક” મેઘાણી

ખેલ સમજણભર્યો જિંદગીનો
આંસુઓ લાવ કે ગીતને ગા.
-તથાગત પટેલ

ખજાનો ઉમંગોનો લૂંટાવવો છે હવે,
ભલે હોય થોડી ઘણી એ બચત લઈને આવ.
-સુધીર પટેલ

ખાંડાની ધારે ખેલ અને મોત સાથે બાથ
ત્યાં ચાલવું ધરાર, હજી યાદ છે મને
-“રસિક” મેઘાણી

Posted in .




Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.