હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
કોઈના નામની ચોમેર ધાક લાગે છે.
-આદિલ મન્સૂરી

હું હવે,મારી દશાની વાત પણ કરતો નથી
કેમ છો ? પૂછી જનારા કયાં મજામાં હોય છે!
-મહેશ રાવલ,

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં
-સુરેશ એમ. પરમાર ‘સૂર’

હર સમસ્યાઓના મૂળમાં હોય છે,
આપણી ઈચ્છાનાં માયાવી હરણ.
-ઉર્વીશ વસાવડા

હવે તો એવી કબરમાં હું પોઢું
ન પૃથ્વી બિછાવું , ન આકાશ ઓઢું
– મકરંદ દવે

હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા
– માવજી મહેશ્વરી

હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?
-બિસ્મિલ મન્સૂરી

હશે કોઈ માણસનું ઘર આ જગા પર,
અહીં કોઈ પંખી નથી કે નથી નીડ
-મુકુલ ચોક્સી

હિમ્મતથી ધાર્યું કામ , અમે લઇ શક્યા નહીં,
છલકી રહ્યાં’તા જામ, અમે લ ઇ શક્યા નહીં.
– અમૃત ‘ઘાયલ’

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
-અનિલ ચાવડા

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
-‘બેફામ’

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ?
પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઇએ
– મરીઝ

હું પડ્યો છું પ્રેમમાં, કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું બને, બન્ને છીએ કંઇ વ્હેમમાં.
– શેખ આદમ આબુવાલા

હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે
– શયદા

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
-જાતુષ જોશી

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
-મનોજ ખંડેરિયા

હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે
– અદમ ટંકારવી

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !
-અદી મિરઝાં