રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
-મરીઝ

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
-બરકત વિરાણી ‘બેફામ’

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-’ગુલ’ અંકલેશ્વરી

રમતા રમતા લઢી પડે ભૈ, માણસ છે
હસતા હસતા રડી પડે ભૈ, માણસ છે
-ડો જયંત પાઠક

રજનીની કોઇ બીજી, નિશાની નહીં મળે
ઝાકળની વાત છે, અને શમણાની વાત છે
-હિમાંશુ ભટ્ટ

રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું
-’ઊર્મિ સાગર

રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
સુધીર પટેલ

રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !
‘બેજાન’ બહાદરપુરી

રડી રડી અમે જીવન ગુજારી દીધું પણ
હસી હસી બધું જીવી જવાનો શોખ હતો
‘રસિક’ મેઘાણી

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.
– અશોકપુરી ગોસ્વામી

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.
-રિષભ મહેતા ‘બેતાબ’

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ

રૂબરૂ જે પળે હોય છે,
શ્વાસ ઉપરતળે હોય છે.
-રશીદ મીર

રંગમાં જે ભળી નથી શક્તા,
એ પછી રાગ-દ્વેષ પામે છે.
-સુધીર પટેલ