મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
-ડો.ઍચ.એસ.રાહી

મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
-દેવિકા ધ્રૂવ

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
– મનહરલાલ ચોક્સી

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.
– મનહરલાલ ચોક્સી

મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.
-અરવિંદ ભટ્ટ

મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’

મોતે આપી ન કાંઈ પણ મહેતલ
જીવવાના ઘણા હતા રસ્તા
‘રસિક’ મેઘાણી

મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી !
– મકરંદ મુસળે

મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
-ભરત વિંઝુડા

માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
-સુધીર પટેલ

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા

મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
– મનોજ ખંડેરિયા

મીર તણખો મૂકી ગયું કોઇ
શ્વાસ છે ત્યાં લગી પ્રજળવાનું.
-ડો. રશીદ મીર

મને આ જોઇને હસવું હજારો વાર આવે છે
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે
-હરજી લવજી દામાણી ‘ શયદા ‘

મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે
-અમૃત ઘાયલ

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ
-ઓજસ પાલનપુરી

મલમની કરું શૂન્ય કોનાથી આશા ?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.
‘શૂન્ય’ પાલનપૂરી

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
– અકબરઅલી જસદણવાલા

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.
ખલીલ ધનતેજવી

માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
-’ઊર્મિ’ સાગર

માપી લીધી છે મેં આ ગગન વિશાળતા,
તારી છબી હું ચીતરું એવું ફલક નથી.
– બરકત વીરાણી ‘બેફામ’”

મન ઘણી વાર અકારણ ઉદાસ પણ લાગે,
નર્યા એકાંતનો ખુદને ય ભાર પણ લાગે !
– ડૉ. રશીદ મીર

મેં તારા સંગમાં હસતા રહી ગુજાર્યા છે
હજી એ યાદ કરૂં છું ગયા દિવસને હું
-“રસિક” મેઘાણી