ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
-ગની દહીંવાલા

ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
આબિદ ભટ્ટ

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મને.
– કૈલાસ પંડિત

ભલે ભપકા ભરેલો છું,છતાં આંગાર વેચું છું
મને નીચો નમાવે એ બધો આભાર વેચુ છું
– મનહર મોદી

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

ભીનાશ આખા માર્ગમાં લોકોએ જોઈ છે,
રડતું ગયું’ તું કોણ અમારી કબર સુધી
-મનહરલાલ ચોકસી

ભલે પરણ સતત ખરે ને વૃક્ષને અસર કરે,
નચિંત સંત તો રહે ફકિર ના ફિકર કરે
-આબિદ ભટ્ટ્

ભલું થાજો તમારું કે મને ચીંધી ગયા રસ્તો,
હતો હું એની શેરીમાં રઝળવાની અણી ઉપર.
-ગોપાલ શાસ્ત્રી

ભૂલથી પણ એ ભાવ તો પૂછે,
આખે આખી દુકાન આપી દઉં !
– ઉદયન ઠક્કર

ભીડ ભરેલી દુનિયા કિંતુ
તારા વિના છે સૂનો રસ્તો
-‘રસિક’ મેઘાણી

ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
-સુધીર પટેલ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ
-ભરત વિંઝુડા

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

ભીતરમાં મુંઝારો થાય,
મુજ પાંપણના દ્વારે આવ.
-આબિદ ભટ્ટ

ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
-રિષભ મહેતા