બાગનો પર્યાય જો શોધી શકો તો શોધજો,
પર્ણ, ડાળી, ફૂલ, ઝાકળ ને પછી શું શું ગયું ?

બધે નામ સરનામું જાહેર ના કર,
જગતને પછી પુછવા આવવા દે-
-હેમેન શાહ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
-મરીઝ

બુંદની હસ્તીને અવલોકી જુઓ
સામટા સો સો પ્રલય વમળાય છે.
-અંજુમ ઉજિયાનવી

બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતનાં આવે જ છે.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

– મનહરલાલ ચોક્સી

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
-‘મરીઝ’

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !
– ડૉ. મહેશ રાવલ

બેફામ’ તો યે કેટલુ થાકી જવુ પડ્યુ
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી
-બરકત વિરાણી ‘બેફામ’

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.
-ખલીલ ધનતેજવી

બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે
ઉર્વીશ વસાવડા

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
બરકત વિરાણી ‘બેફામ’

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી

બસ એટલું કે એના ઉપર મારો હક નથી,
એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી
બરકત વિરાણી ‘બેફામ’

બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.
– ઉર્વીશ વસાવડા

બીજ કોઈના માટે વીણ્યા કરું
ફોતરા મગફળીના ફોલ્યા કરું
‘રસિક’ મેઘાણી