થોડું તારું, થોડું મારું કરિયેં સર્જન સહિયારું,
આમ અલગ ને આમ અડોઅડ ભમિયેં વનવન સહિયારું.
-પંચમ શુક્લ

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.
– કૈલાસ પંડિત

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર
-’ખલીલ’ ધનતેજવી

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો
-આદિલ મન્સૂરી

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં
-સૅફ પાલનપુરી

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે
-કવિ રાવલ

થોડી ઠોકર થોડાં ફૂલો
સપનાનો અણસારો હો જી
-અઝીઝ ટંકારવી

થઈને ઉદાસ જોયુ જો ઉપર અમે ‘મરીઝ’
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે
-મરીઝ

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
– આદિલ મન્સૂરી

થાકીને સાંજ ટાણે ‘રસિક’ બેસવું પડયું
નહિતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા
-‘રસિક’ મેઘાણી

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !
-કિરણ ચૌહાણ

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.
-વિવેક કાણે ‘સહજ’

થોડા છાંટા ભેગા કરિયેં હેતલની મીઠી વાવે,
ના મારું ને ના તારું પણ એ છે અર્પણ સહિયારું.
-મુહમ્મદઅલી ભૈડુ’વફા’