ડૂબી જવાની પળને ડુબાડીશું આપણે,
પાણીમાં રહીને પાણીને પાણી બતાવશું.
-કિરણ ચૌહાણ

ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો
-સંજય પંડ્યા

ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચહેરાને જોવો હોય છે.
-ડૉ. ચિનુ મોદી ‘ઈર્શાદ’

ડૂમા, તરસ, તડપ ને કણસ સાક્ષી છે બધાં,
કોને કોને બોલાવું હું મારા બચાવમાં.
– આશ્લેષ ત્રિવેદી

ડૂબતી સંધ્યા સમય બેવડ વળી
ખોઈ નાખ્યા કયાં દિવસ એ ગોતવા
-‘રસિક’ મેઘાણી

ડહાપણને રામ રામ, અમે ન્યાલ થઈ ગયા,
દીવાનગી સલામ ! અમે ન્યાલ થઈ ગયા.
– અદમ ટંકારવી

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
-ગૌરાંગ ઠાકર

ડગલેપગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો;
કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?
– ‘શૂન્ય’ પાલનપુરી

ડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં
ભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું
‘રસિક’ મેઘાણી

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ?
એક વેત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
-અશરફ ડબાવાલા

ડગલું એક ભરી શકવાના હોંશ નથી,પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.
-અશરફ ડબાવાલા

ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના.
-મરીઝ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
-મરીઝ