ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
– મુકુલ ચોકસી

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.
-ડૉ. વિવેક મનહર ટેલર

ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.
-ડૉ.વિવેક મનહર ટેલર

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.
-ભગવતીકુમાર શર્મા

ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.
-ઉર્વીશ વસાવડા

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!
-યામિની ગૌરાંગ વ્યાસ

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તર તપાસ કર.
-હેમેન શાહ

ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.
-મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.
-સતીન દેસાઇ ‘પરવેઝ’

ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.
– દિનેશ કાનાણી

ટોળે વળેલ પંખીઓ આકાશ થઇ ગયા
પીંછું મજાનું કયાંય ફરકતું નથી હવે
-ગોપાલ શાસ્ત્રી

ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
-મરીઝ

ટાંકણું પામ્યો ગઝલનું એટ્લે
આંસૂને પણ કોળવાની ક્ષણ મળી
-સુધીર પટેલ

ટૂંકીને ટચ છે બંધ એમાં એક વેદના
આ કાચની કરચને સવિસ્તર તપાસ કર
-હેમેન શાહ