જિંદગી ઉજાસ પણ રહી તો એ રહી‘રસિક’
આશ લઈને આંખમાં દીવડા ઠરી ગયા
-‘રસિક’ મેઘણી

જે નથી તારું તું એને પામવાના મોહમાં,
જે બધું તારું છે એ ત્યાગી મને ભરમાવ ના.
અશરફ ડબાવાલા

જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
-ભરત વિંઝુડા

જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો
-આદિલ મન્સૂરી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને, હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે, છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
– મનહરલાલ ચોકસી

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલે ને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.
-બરકત વિરાણી ‘બેફામ’

જેટલાછે મહેલ સૌ ભેટે ધરો,
સર છુપાવા એક ઘર માંગી જુઓ
-મોહમ્મદઅલી વફા

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
-બિસ્મિલ મન્સૂરી

જનારી રાત્રી, જતાં કહેજે , સલૂણી એવી સવાર આવે,
કળીકળીમાં સુવાસ મહેંકે ફૂલો ફૂલોમાં બહાર આવે.
-“શયદા”

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, સતત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડુબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
– મરીઝ

જોઈ છે ખુલ્લાં હૃદયના માણસોની અવદશા,
દોસ્ત ! મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.
-છાયા ત્રિવેદી(રાજકોટ)

જનમથી એષણા મૃગજળની વચ્ચે અટવાઈ
યુગાની પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી
“રસિક” મેઘાણી

જીવ, તારી જી-હજૂરી જો ટળે,
શ્વાસ લેવાની પછી ઝંઝટ ન હો.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?
-અદી મિરઝાં

જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
-શૂન્ય પાલનપુરી

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
-મરીઝ

જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
-મુકુલ ચોકસી

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ
– ડો. અદમ ટંકારવી

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
-સૅફ પાલનપુરી

જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે
-ઉર્વીશ વસાવડા

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એજ હોય પગની તળે એમ પણ બને
-મનોજ ખંડેરીયા

જયારે વિમાસણોના હતાં કાળાં વાદળો,
રસ્તો જ જાતે પહોંચી ગયો રાહબર સુધી
-મનહરલાલ ચોકસી

જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
બંધ આંખે ચિત્ર આખું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને
-શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

જિંદગીનાં રસને પીવામાં જલ્દી કરો “મરીઝ”
ઍકતો ઓછી મદિરા છે ને ગળતુ જામ છે
-મરીઝ

જો હ્રદયની આગ વધી ‘ગની’તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયુ કે પવન ન જાય અગન સુધી
-ગની દહીંવાલા.

જ્યાંજ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની
-સુરસિંહજી ગોહેલ ‘કલાપી’

જીવનનાં બધાં પાપ જે ધોઈ નાખે,
નયન પાસ એવું રૂદન માગવું છે !
– મુકબિલ કુરેશી

જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો,
હું પરખું પાપને મારા, મને એવા નયન દેજે !
– નાઝિર દેખૈયા