કોઇ પણ વાદા વગર કો ’દિ તો આવ તું.
શ્યામ ચાદર ભાગ્યથી થોડી હટાવ તુ.
-મોહમ્મદઅલી વફા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

– મનહરલાલ ચોક્સી

કદી પર્વતો હશે મારા કદમો માં
શું થયું, આજ હું લથડી ગયો છું?
-દીપક બારડોલીકર

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
-ચિનુ મોદી

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
-અમૃત ‘ઘાયલ’

કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
-બરકત વિરાણી ‘બેફામ’

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
-હરદ્વાર ગોસ્વામી

કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે,
તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે.
-ગૌરવ પંડ્યા

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે
-‘સૂફી’ પરમાર

કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
-દેવિકા ધ્રૂવ

કોણે કહયું તને કદી આંબી નહીં શકું
રસ્તાના ખાડાં ટેકરા ખાળી નહીં શકું
-રસિક” મેઘાણી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય
-જવાહર બક્ષી

કાયમી કોઈ દશા હોતી નથી,
બે-ઘડી ધુમ્મસ છવાતું હોય છે.
-રાકેશ હાંસલિયા”

ક્યાં બધે દિલથી જીવાતું હોય છે,
એટલે કાયમ થકાતું હોય છે.
-રાકેશ હાંસલિયા”

કેવો અનુપમ કેવો મનહર
તારો હસતો ચહેરો સુંદર
-રસિક” મેઘાણી

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય્
નિજ ઘરથી નીકળી નદી પાછી નથી વળી
-જલન માતરી

કેટલો નજીક છે આ દુરનો સંબંધ પણ,
હું રડું છું એકલો એ એકલા શરમાય છે.
-સૈફ’ પાલનપુરી

કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.
-ઉર્વીશ વસાવડા

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !
– અદી મિરઝા

ક્યાં સુધી હું આભ સામે જોઈને બેસી રહું?
તું હવે વરસાવતો જો હોય તો વરસાવને.
-અનિલ ચાવડા