Wednesday, April 2nd, 2008


વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો
-જિગર જોષી ‘પ્રેમ’

વેદનાની વાટ બાળી રાતભર
મીણબતીને ન ઓગાળો હવે
-‘રસિક’ મેઘાણી

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
-અનિલ ચાવડા

વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
-ભરત વિંઝુડા

વિરાટ પંથમા થાકી વિરામ કરવા પણ
પરાઈ ભીંતના છાંયે કદી નથી બેઠા
-‘રસિક’ મેઘાણી

વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
-ગની દહીંવાલા

વાયુમાં વિશ્વાસનું કારણ હતું;
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

વમળમાં ધસુ છુ ને કેવો હસું છું?
મને મારી માસૂમ જવાની ગમે છે
-શેખાદમ આબુવાલા

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો
-આદિલ મન્સૂરી

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
-મનોજ ખંડેરિયા

ચાંદ સમું પણ દાગ જરી ના
તારું મુખડું સુંદર એવું
‘રસિફ’ મેઘાણી

ચોઘડિયાંઓ જોતો રહેશે, માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે, દુઃખનો ડુંગર મોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’

ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
-નયન દેસાઈ

ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
-‘સાબિર’ વાટવા

ચમનમાં ગુલ ઉગે કે થોર, શો ફરક પડશે?
સડેલાં ફેફસાં રાખીને દર્દી વાસ બદલે છે.
-રતિલાલ અનિલ

ચીસ ક્યાં નીકળી શકી એકેય પણ
ફુલને એનો જ બસ આઘાત છે
-ગોવીંદ ગઢવી ‘સ્મિત’

ચાલો ચાલો ખુદને મળીએ
દર્પણમાંથી બહાર નીકળીએ
– અરવીંદ ભટ્ટ્

ચિત્રે જાહોજલાલી ટાંકી ‘રસિક’
રિકત દીવાલપર ઉભરવાનું
-‘રસિફ’ મેઘાણી

ચર્ચા કરી રહ્યો છું સુરાલયમાં ધર્મની
મારાને સંતના સમાગમનું શું થશે?
-બરકત વિરાણી ‘બેફામ’

ચાર ખૂણા છે, ચાર ભીંતો છે
ઘરને પોતાની થોડી રીતો છે
-રશીદ મીર

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
– ‘આસીમ’ રાંદેરી

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
-શૂન્ય પાલનપુરી

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
-બેફામ

પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
-અંકિત ત્રિવેદી

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા
-ભરત વિંઝુડા

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
-રમેશ પારેખ

પ્રથમ કો’ નયનથી નયનનું મિલન,
પછી નિત્ય જ્વાળામુખીનું જતન.
-શૂન્ય પાલનપુરી

પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
-ભરત વિંઝુડા

પાણી ભરેલાં વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
-વિવેક મનહર ટેલર

પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
-મૂકેશ જોષી

મેં અમસ્તી લખેલી કથાના સહુ પાત્ર સાચાં મળે છે તો હું શું કરું ?
કોના હોવાની ઘટના કહાણી હતી ? એક રાજા હતો એક રાણી હતી.
-અરવિંદ ભટ્ટ

મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’

મોતે આપી ન કાંઈ પણ મહેતલ
જીવવાના ઘણા હતા રસ્તા
‘રસિક’ મેઘાણી

મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી !
– મકરંદ મુસળે

મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
-ભરત વિંઝુડા

માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
-સુધીર પટેલ

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા

મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
– મનોજ ખંડેરિયા

મીર તણખો મૂકી ગયું કોઇ
શ્વાસ છે ત્યાં લગી પ્રજળવાનું.
-ડો. રશીદ મીર