Tuesday, April 1st, 2008


કદી પર્વતો હશે મારા કદમો માં
શું થયું, આજ હું લથડી ગયો છું?
-દીપક બારડોલીકર

કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે, હવે એ પણ ન હો.
-ચિનુ મોદી

કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો,
મહેનત પાછળ બબ્બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી.
‘શૂન્ય’ પાલનપુરી

કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
-અમૃત ‘ઘાયલ’

કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
-બરકત વિરાણી ‘બેફામ’

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
-હરદ્વાર ગોસ્વામી

કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે,
તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે.
-ગૌરવ પંડ્યા

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા

કરી જે કર્મોની ખેતી જગતમાં તે તમારી છે
ફળોનું હોય કે કાંટાનું, ઉત્પાદન તમારું છે
-‘સૂફી’ પરમાર

કળી કળીના કમનીય કામણ,
કંડાર્યા કવિએ કોરે કાગળ.
-દેવિકા ધ્રૂવ

અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે
– નેહા ત્રિપાઠી

ઓજસ’ તું એને પૂછ મજા ઈંતેજારની,
જેને મિલનપ્રસંગે જુદાઈનો ગમ રહે.
-ઓજસ પાલનપુરી

અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
-બેફામ

ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
‘અમર’ પાલનપુરી

એ કેડીથી ગુમ થવાનું
વારા ફરતી વારો હો જી
-અઝીઝ ટંકારવી

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ
-ભરત વિંઝુડા

એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
જમિયત પંડ્યા

આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.
-અરુણ દેશાણી

આપણો વિસ્તાર છે ફળિયા લગી,
ગામને ઢંઢોળવાથી શું વળે?
-શિવજી રૂખડા

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
-રમેશ પારેખ