Monday, March 31st, 2008


ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
-હિમાંશુ ભટ્ટ

ક્ષણોની ભીંતથી જે કંઈ ખર્યું, સઘળું સમેટીને
સમય સારો લખાયો, તો નઠારો પણ લખાયો છે !
-ડો.મહેશ રાવલ

ક્ષિતિજની પાંપણે પીળાં સપનનો ભાર હશે,
ઉદાસ રાતની આંખોમાં અન્ધકાર હશે.
-‘આદિલ’ મન્સૂરી

ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ, કે સૅકા,
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
-શોભિત દેસાઈ

ક્ષણમા સો સો વિચાર આવે છે
એ વળી ધારદાર આવે છે
-હરદ્વાર ગોસ્વામી

ક્ષય પામવાનો શાપ છે, છો ચાંદની મુજ શુદ્ધ હો,
માથે કલંક એક જ છે કિંતુ આજીવન નડતું રહ્યું.
– ડૉ. વિવેક મનહર ટેલર

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
-મનોજ ખંડેરિયા

ક્ષિતિજરેખ પર અરધડૂબેલ સૂરજ
કોઇની ઢળેલી નજર હોય જાણે
-‘આદિલ’ મન્સૂરી

ક્ષણોના થાકનું પ્રસ્વેદબિન્દુ લઇ હથેળીમાં
અમારી આંખમાં બેસી ગયું છે કોઇ રસ્તામાં
-ગુણવંત ઊપાધ્યાય્

ક્ષણો ક્યાં કદી આપણી હોય છે
ભરું ડગ ત્યહીં તાપણી હોય છે
=ડાહ્યા ભાઈ પટેલ ‘માસૂમ”

ઘરોબો થઈ ગયો છે, આંસુઓ સાથે
નથી સારો પનારો, હું ય જાણું છું !
-ડૉ.મહેશ રાવલ

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું
-નેહા ત્રિપાઠી

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને –
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે.
-અશરફ ડબાવાલા

ઘણી લાંબી બની ગઇ છે હવે ઝખ્મો તણી યાદી,
બધાં નામો ભલા વાંચી શકું , એવું ગજું ક્યાં છે?
– અહમદ ‘ ગુલ’

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.
-કૈલાસ પંડિત

ઘોંઘાટ ભર્યા જીવંત જગત, છોડીને હું ચાલ્યો પણ
એવા રસ્તા રસ્તા છે કે, ચારે તરફ છે સન્નાટો
-‘રસિક’ મેઘાણી

ઘૂઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં
– ઉદયન ઠક્કર

ઘણું જીવે છતાં પણ કોઈ નક્કર કામ આ આપે,
ઘણા આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.
-કિરણ ચૌહાણ

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
– આદિલ મન્સૂરી

ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું’ બસ આટલી ટાંચણ મળી આવે
– હિતેન આનંદપરા

હિમ્મતથી ધાર્યું કામ , અમે લઇ શક્યા નહીં,
છલકી રહ્યાં’તા જામ, અમે લ ઇ શક્યા નહીં.
– અમૃત ‘ઘાયલ’

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કૂટું ? રોવું ? શું કરું ?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.
-અનિલ ચાવડા

હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
-‘બેફામ’

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ?
પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઇએ
– મરીઝ

હું પડ્યો છું પ્રેમમાં, કે તું પડી છે પ્રેમમાં ?
કે પછી એવું બને, બન્ને છીએ કંઇ વ્હેમમાં.
– શેખ આદમ આબુવાલા

હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે
– શયદા

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
-જાતુષ જોશી

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયા છીએ.
-મનોજ ખંડેરિયા

હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે
– અદમ ટંકારવી

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !
-અદી મિરઝાં

જનારી રાત્રી, જતાં કહેજે , સલૂણી એવી સવાર આવે,
કળીકળીમાં સુવાસ મહેંકે ફૂલો ફૂલોમાં બહાર આવે.
-“શયદા”

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, સતત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડુબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
– મરીઝ

જોઈ છે ખુલ્લાં હૃદયના માણસોની અવદશા,
દોસ્ત ! મોઘમ વાતને હું સાચવું છું ત્યારથી.
-છાયા ત્રિવેદી(રાજકોટ)

જનમથી એષણા મૃગજળની વચ્ચે અટવાઈ
યુગાની પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી
“રસિક” મેઘાણી

જીવ, તારી જી-હજૂરી જો ટળે,
શ્વાસ લેવાની પછી ઝંઝટ ન હો.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?
-અદી મિરઝાં

જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
-શૂન્ય પાલનપુરી

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
-મરીઝ

જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
-મુકુલ ચોકસી

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ
– ડો. અદમ ટંકારવી

ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.
-ઉર્વીશ વસાવડા

ટેરવામાં તરફડાટો હોય છે
જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.!
-યામિની ગૌરાંગ વ્યાસ

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તર તપાસ કર.
-હેમેન શાહ

ટૂકડા ટૂકડા ભેગા કરિયેં, બનશે મહેલો સપનાના,
હૂસ્ન ઈશ્ક ના કાચો માથી થાશે દર્પણ સહિયારું.
-મુહમ્મદઅલી ભૈડુ’વફા’

ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.
-સતીન દેસાઇ ‘પરવેઝ’

ટહુકો છે કે ચીસ, એ નક્કી કરો,
સાવ આ તાજો જ મારો શેર છે.
– દિનેશ કાનાણી

ટોળે વળેલ પંખીઓ આકાશ થઇ ગયા
પીંછું મજાનું કયાંય ફરકતું નથી હવે
-ગોપાલ શાસ્ત્રી

ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
-મરીઝ

ટાંકણું પામ્યો ગઝલનું એટ્લે
આંસૂને પણ કોળવાની ક્ષણ મળી
-સુધીર પટેલ

ટૂંકીને ટચ છે બંધ એમાં એક વેદના
આ કાચની કરચને સવિસ્તર તપાસ કર
-હેમેન શાહ